હિપેટાઇટિસ 'એ' થી કોમા – જવલ્લે જ જોવા મળતું કોમ્પ્લિકેશન
ગયા મહિને ઓગણત્રીસ વર્ષની એક યુવાન મહિલા અર્ધ બેહોશીની હાલતમા બીજા શહેરથી શિફ્ટ થઇ ઉચ્ચ કક્ષાની આઈ સી યુ સારવાર માટે મારી દેખરેખમાં દાખલ થઇ હતી. તેમને હિપેટાઈટીસ ‘એ’ નામનો કમળો થયો હતો જે જીવલેણ તબ્બકામાં પ્રવેશી ચુક્યો હતો. શરૂઆતમાં તેમને ખોરાક પ્રત્યે અરુચિ તેમજ નબળાઈ ના ચિન્હો હતા. આગળ જતાં ઉબકા અને ઉલ્ટી થવા લાગ્યા તેમજ પેશાબ અને આંખનો રંગ પીળો થવા લાગ્યો. હોસ્પિટલમાં દાખલ થતી વખતે તેને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હતી.
તેમનું ઓક્સિજન નું સ્તર પણ ઓછુ હતું. તાત્કાલિક ઓક્સિજન શરુ કરવામાં આવ્યો અને જીવલેણ કમળાની બેહોશી દૂર કરવાની સારવાર શરુ કરવામાં આવી. બીજે દિવસે સવારે તેમની હાલતમાં સુધારો હતો અને તેઓ સામાન્ય સૂચનાઓ સમજી શકતા હતા પરંતુ સાંજે ફરીથી બેહોશી વધી. સતત બે દિવસની સઘન સારવાર બાદ તેઓ સંપૂર્ણ રીતે સભાન અવસ્થા પ્રાપ્ત કરી શક્યા. ત્યારબાદ તેઓની હાલત સ્થિર રહેતા તેમને રૂમમાં શિફ્ટ કર્યા અને થોડા દિવસ બાદ હોસ્પિટલમાં થી રજા આપી.
હિપેટાઇટિસ ‘એ’ કમળો થવાના ઘણા કારણોમાંનુ એક કારણ છે. પરંતુ તેનાથી જીવલેણ કોમ્પ્લિકેશન થતું હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. અમારા કેસમાં રોગે એક જીવલેણ વવળાંક લઇ લીધો હતો.
હિપેટાઇટિસ ‘એ’ કેવી રીતે થાય છે?
હિપેટાઇટિસ ‘એ’ નો કમળો વાયરસથી દુષિત થયેલી વસ્તુ ખાવાથી અથવા દુષિત પ્રવાહી પીવાથી થાય છે. એક વખત જઠરમાં પહોંચે પછી આ વાયરસ આંતરડાની દીવાલને ભેદીને લોહીમાં ભળી લીવરમાં પહોંચે છે. લીવરમાં આ વાયરસ લીવરના જ કોષની સિસ્ટમનો ઉપયોગ કરી એકમાં થી અનેક બનેછે. વાયરસ શરીરમાં દાખલ થયા પછી લગભગ બે સપ્તાહના સમયે કમળો થાય છે. છતાં પણ જીવલેણ કોમ્પ્લિકેશન માત્ર 0.015% થી 0.5% લોકોમાં જ થાય છે.
અત્યારે વૅકેશનના મહિના ચાલી રહ્યા છે. તમે પ્રવાસ ઉપર જશો અથવા પ્રવાસ કરી રહ્યા હશો. બહારનું ખાવા-પીવાનું થશે જ. પાણીજન્ય રોગો આ સમયે વારંવાર થતા રહે છે. ગરમી હોવાને લીધે પાણી કે અન્ય પ્રવાહી વારંવાર લેવું પડે તે સ્વાભાવિક છે જે તમારી પાણીજન્ય રોગમાં સપડાઈ જવાની શક્યતાઓ ને વધારી દે છે.
હિપેટાઇટિસ માં શું થાય છે?
સાદી ભાષામાં હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો. લીવરના કોષ બીમાર પડી જાય છે અને શરીરમાં ઉત્પન્ન થતા ઝહેરીલા તત્વો ને ખતમ કરી શકતા નથી.વાસ્તવમાં લીવરના કેટલાક કોષ પણ મૃત્યુ પામે છે અને લિવરનું કાર્ય ખોરવાઈ જાય છે. એક ઝહેરીલુ તત્વ જે દિમાગને સુન્ન કરી બેહોશી લાવે છે તે છે અમોનિયા. મોટા આંતરડામાં રહેલા શુક્ષ્મ જીવો આપણા પાચન તંત્રમાં નહિ પચેલા પ્રોટીનને પચાવે ત્યારે ચયાપચયની ક્રિયા થવાથી અમોનિયા બને છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે અને તંદુરસ્ત વ્યક્તિના શરીરમા થતી રહે છે. આપણું લીવર તેને તરતજ બિનહાનિકારક તત્વમાં ફેરવી નાખે છે. જયારે બિમાર લીવર તેને દૂર કરવામાં નિષ્ફળ રહે ત્યારે આ અમોનિયાનું સ્તર લોહીમાં વધવા માંડે છે. અમોનિયા મગજમાં રહેલા કોષ (ASTORCYTE) માં સોજો ઉત્પન્ન કરે છે જેથી મગજના અગત્યના સેન્ટરમાં રહેલા કોષો ઉપર દબાણ વધતા તેઓનું કાર્ય ખોરવાઈ જાય છે અને મગજ સુન્ન થવા માંડે છે જે રોગની તીવ્રતા આગળ વધતા સંપૂર્ણ બેહોશી એટલે કે કોમામાં પરિવર્તિત થાય છે. આ એક ગંભીર પરીસ્થિતિ છે અને તાત્કાલિક સારવાર ના મળે તો મૃત્યુ પણ થઇ શકે છે.
હિપેટાઇટિસ અથવા પાણીજન્ય રોગોથી બચવા શું કરશો?
- કાંઈ પણ ખાતા પહેલા અથવા તો કોઈ પણ વાનગી બનાવતા પહેલા સાબુથી હાથ બરાબર સાફ કરો.
- કોઈ બીજી પરવશ વ્યક્તિનું ડાયપર બદલતી વખતે અથવા મળ-મૂત્ર નો નિકાલ કરતી વખતે ખૂબ સાવધાની રાખો. ધ્યાન રહે કે હિપેટાઇટિસ ‘એ’ નું વાયરસ કમળાના લક્ષણો દેખાય તે પહેલા મળમાં નીકળવા માંડે છે. ભૂલથી એ દૂષિત હાથે તમે ખાઓ કે બીજાને પીરસો તો તમને બધાને પણ કમળો થવાનું જોખમ રહે છે.
પર્યટન દરમ્યાન સાવધાની વર્તો:
- તાજા ફાળો તેમજ શાકભાજીની છાલ શક્ય હોય ત્યાં સુઘી તમે જાતે જ ઉતારો.
- ગરમ થયેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખો. કાચો અથવા અધકચરો રંધાયેલો ખોરાક ખાશો નહિ.
- સાફ-સૂથરાં ના દેખાતા હોય તેવા સ્થળ ઉપર ખાવા-પીવાનું ટાળો.
- બને ત્યાં સુધી શૂધ્ધ થયેલું પાણી જ પીવો. ( બોટલ્ડ અથવા આર. ઓ. પ્લાન્ટ/ફીલ્ટર્ડ )
- પ્રવાહી દા.ત. ફળોનો રસ અથવા શરબત ગમેતે જગ્યાએથી ના પીવો. ખાસ કરીને બરફ નાખેલું પીણું પીવાનું ટાળો.