સાયલન્ટ ઇસ્કેમિયા (અથવા ઈસ્ચેમિયા) (દર્દ રહિત અવરોધિત રક્ત પ્રવાહ) અને સાયલન્ટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (દર્દ રહિત હાર્ટ અટેક /હૃદયરોગનો હુમલો)
લગભગ 68 વર્ષના એક મહિલાને રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવે છે. તેઓને સાંજથી નબળાઈની ફરિયાદ છે. એક વખત બાથરૂમ જતી વખતે તેઓએ બેચેની પણ અનુભવી હતી. વાસ્તવમાં તેમને કોઈ ખાસ લક્ષણો નથી પરંતુ તેમાં કુટુંબીજનો ડૉક્ટર પાસે તાપસ કરાવવા ઈચ્છે છે તેથી તેઓ હોસ્પિટલ આવ્યા છે. તેમને આઠ વર્ષ થી ડાયાબિટીસ છે. ઇમર્જન્સી રૂમમાં પ્રાથમિક તપાસમાં કશુંજ વાંધાજનક જણાતું નથી. તેમના કાર્ડીઓગ્રામમાં પણ સામાન્ય પ્રકારના બદલાવ છે. પરંતુ તેમનો હ્રદયરોગના હુમલાનો બ્લડ ટેસ્ટ (Troponins) પોઝિટિવ છે એટલેકે તેમને હાર્ટ અટેક આવ્યો છે. તેઓને તુરંત પ્રમાણિત સારવાર આપવામ આવતા તેમની તબિયત સુધારા ઉપર છે.
શું તમને એમ લાગે છે કે આ બધું એકજ રાતમાં થઇ ગયું? બિલકુલ નહીં. તમારા હૃદયમાં નળીઓ બ્લોક થવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હોય છે. એક વખત નળી 80% બ્લોક થાય ત્યારે હૃદયરોગની તકલીફોનો અનુભવ શરુ થાય છે. પરંતુ કેટલાક લોકોમાં કોઈ પણ લક્ષણ કે દુખાવો થતો નથી. હાર્ટ એટેક વખતે પણ તેમને દુખાવો અનુભવાતો નથી. તેથી પણ વધુ કમનસીબ ઘટના બને છે અચાનક હૃદય બંધ પડી ને મૃત્યુ થવાની. આ સિવાય એવું પણ બને કે હાર્ટ અટેક ના આવે પરંતુ લાંબા સમય સુધી ઓછું લોહી મળવાને લીધે હૃદયના કોષ ક્રમશઃ મૃત્યુ પામે અને સમય જતા હ્ર્દય પહોળું થઇ જાય અને તેની કાર્યદક્ષતામાં ગંભીર રીતે ઘટાડો થાય.
માયોકાર્ડિયલ ઇસ્કેમિયા એટલે હૃદયની નળીઓ બ્લોક થવાને લીધે નળીઓમાં રક્ત પ્રવાહનું ભયજનક રીતે ઓછું થઇ જવું. તેનાથી છાતીમાં ભાર લાગવો, વજન પડતું હોય તેવો અનુભવ થવો, ગભરામણ થવી તો ક્યારેક ગેસ ભરાઈ જવો, ઓડકાર આવવા અથવા પેટમાં દુખાવો થવો જેવી ફરિયાદો ઉદ્દભવે છે. ક્યારેક સ્નાયુના દુખાવાનો અનુભવ પણ થાય છે. તબીબી વિજ્ઞાનની ભાષામાં આને એન્જાઇના કહેવામા આવે છે. પરંતુ વધારે ભયજનક સ્થિતિ છે કોઈ પણ પ્રકારનો દુખાવો ના થવો કે કોઈ પણ ફરિયાદ ના હોવી. આને કહે છે સાયલન્ટ ઇસ્કેમિયા.
સાઇલન્ટ હાર્ટ અટેક એટલે હૃદયના સ્નાયુઓનો નાશ થવો. ભલે દુખાવો ના થાય પરંતુ આખરે હાર્ટ અટેક એટલે હાર્ટ અટેક, જે ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે. તેનાથી બીજી વખત પણ હાર્ટ એટેક આવવાનો ભય વધી જાય છે, સ્કાર ટીસ્યુ રહી જતા સમય જતા હૃદય નબળું પડે છે અને તેની કાર્યદક્ષતામાં ઘટાડો થાય છે. અકાળ મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓમાં સાયલન્ટ ઇસ્કેમિયાનું પ્રમાણ 10% થી 20% છે. જયારે તે સિવાયના જનસમૂહમાં સાયલન્ટ ઇસ્કેમિયાનું પ્રમાણ માત્ર 1% થી 4% જેટલું હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આમ થવાનું કારણ દુખાવાનું વહન કરતી ચેતાઓને નુકશાન થવું છે. બિમાર ચેતાઓ સંવેદનાઓનું વહન કરી શકતી નથી તેથી હાર્ટ એટેક વખતે પણ દુખાવાનો અનુભવ થતો નથી. આથી સમગ્ર ઘટના વ્યક્તિના ધ્યાનમાં આવતી જ નથી.
ડાયાબિટીસના દર્દીઓમાં સાયલન્ટ ઈસ્ચેમીયા ને લીધે નિદાન મોડું થવાથી જયારે ખબર પડે ત્યારે રોગ આગળ વધી ચુક્યો હોય છે.
વિવિધ દર્દીઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સર્વેમાં ભાગ લેનારાઓમાં 16% ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની ચૂકયા હતા. આ સંયોગ નકારી શકાય તેમ નથી.
જો તમે ડાયાબિટીસનો શિકાર બની ચુક્યા હોવ તો આ રોગ સાથે સંકળાયેલા જોખમોને ગંભીરતાથી લો તેમજ નિયમીત ચેક અપ કરાવતા રહો.