શું તમે મોત ખરીદી રહ્યા છો?
આજકાલની ફાસ્ટ લાઈફ માં કોઈ ને કોઈ કારણસર આપણે બહારના ભોજન ઉપર વધારે ને વધારે આધાર રાખતા થયા છીએ. ઘરે રસોઈ બનાવવા કરતાં ઓર્ડર કરીને ઘરે મંગાવી લેવાનો ટ્રેન્ડ વધતો જાય છે. મસાલેદાર અને મ્હોં માં પાણી લાવી દે તેવું ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ખીસાને પોસાય તેવા ભાવમાં મળતું હોવાથી દરેક વર્ગમાં તેની બોલબાલા પણ ખૂબ વધી છે. દરેક વાનગી એક વાર ચાખ્યા પછી વારંવાર ખાવાની ઈચ્છા થાય તેટલી સ્વાદિષ્ટ હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે તમે અજાણતા જ તમારા વ્હાલસોયા બાળકો માટે અને તમારા ખુદના માટે સાક્ષાત મોત ખરીદી રહ્યા છો?! સાવધાન રહો તમે ખરીદતાં પહેલા!
માખણ અથવા કહેવાતા માખણમાં બનાવેલી અથવા તો શુદ્ધ તેલમાં બનાવેલી હોવાનો દાવો કરાતી સ્વાદિષ્ટ વાનગીઓ ભયજનક માત્રામાં ટ્રાન્સ ફેટ ધરાવતી હોઈ શકે છે.
આ ટ્રાન્સ ફેટ શું છે?
ફેટી એસિડ એટલે કે તેલ અથવા ચરબીના ઘટક તત્વો. ઘટક તત્વોમાં હાઈડ્રોજન નો અણું ઉમેરવાથી ટ્રાન્સ ફેટ બને છે. આ પ્રક્રિયાને ફેક્ટરીની લૅબોરેટરી માં કરવામાં આવે છે. સરળ ભાષામાં કહીયે તો કેટલાક વનસ્પતિ તેલ જેમ કે સોયા તેલમાં કેમિકલ પ્રોસેસ કરવાથી વિશેષ પ્રકારની ચરબી બને છે જેને ટ્રાન્સ ફેટ કહેવાય
અપણે સૌ જાણીએ છીએ કે તેલ સામાન્ય તપમાને પ્રવાહી રૂપમાં હોય છે. આ રૂપ લાંબા સમય સુધી સ્થાયી રહી શકતું નથી. તેનું ઓક્સિડેશન થવાથી ખોરું થઇ જાય છે. હાઇડ્રોજિનેશન થવાથી તેલ ઘન સ્વારૂપ ધારણ કરે છે અને તેનું ઓક્સિડેશન થતું નથી આથી આ તેલ લાંબા સમય સુધી ખોરું થતું નથી અને તેનો સંગ્રહ કરી શકાય છે, જેને લીધે તેનો વપરાશ તળવામાં તેમજ બેકરીની બનાવટો માં સરળ રીતે થઇ શકે છે. હાઈડ્રોજીનેટેડ વેજિટેબલે ઓઇલ માં બનેલી વાનગીઓ લાંબા સમય સુધી બગડતી નથી જયારે શુદ્ધ તેલ અથવા તો ઘી માં બનેલી વાનગીઓ સમય જતાં ખોરી થઇ બગડી જાય છે.
કઈ કઈ વાનગીઓમાં ટ્રાન્સ ફાટ હોઈ શકે?
- માર્જારીન (માર્ગારિન-મારજેરીન)
- તળેલી વાનગીઓ - ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા, ભજીયા, ભટૂરા, પૂરી, પકોડા, દરેક પ્રકારના નમકીન વગેરે
- બેકરીના વ્યંજનો- બિસ્કીટ્સ, કૂકી, કેક વગેરે
- ડોનટ, માઈક્રોવેવ પોપકોર્ન, પોટેટો ચિપ્સ તથા પેકેટ માં મળતાં નાસ્તા
મસ્કાબન માં રહેલો મનપસંદ મસ્કો, જો કોઈ પ્રમાણ વગરના ફેરિયા પાસેથી ખરીદો તો મોટા પ્રમાણમાં ટ્રાન્સ ફેટ હોવાનો ખતરો છે. તેમાં રહેલું હાઈડ્રોજીનેટેડ વેજીટેબલ ઓઇલ પ્રોસેસ કરીને આબેહૂબ બટર જેવું જ દેખાય એ રીતે બનાવવામાં આવે છે.
તેલ ને વારંવાર ગરમ કરવામાં આવે ત્યારે પણ થોડી માત્રામાં ટ્રાન્સ ફેટ બને છે.
ટ્રાન્સ ફેટ શા માટે જોખમી છે?
ટ્રાન્સ ફેટ એ કોઈકાતિલ ઝેરની જેમ તરત જોખમી અસર કરતી નથી પરંતુ તેનું વર્ષો સુધી કરેલું લાંબા ગાળાનું સેવન એક ધીમા ઝેર તરીકે કાર્ય કરે છે. ટ્રાન્સ ફેટ તમારા ખરાબ કોલેસ્ટેરોલ (એલ ડી એલ) માં વધારો કરે છે જેથી સારા કોલેસ્ટ્રોલ (એચ ડી એલ ) અને ખરાબ કોલેસ્ટ્રોલ નો રેશિયો બદલાઈ જાય છે. જે હૃદયની નળીઓ માટે જોખમી છે.
1950 ના દાયકા માં તેના જોખમી પરિણામો ધ્યાનમાં આવવાના શરુ થયા. ઈ.સ.1957માં કુમેરો અને તેના સાથીઓ એ શોધ્યું કે મૃત્યુ પામેલા 24 વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ બાદ ની તપાસ માં તેમના હૃદયના ટીસ્યુમાં, મહાધમની ની દીવાલોમાં તેમજ હૃદયની નળી બ્લોક કરતા પ્લેક માં ટ્રાન્સ ફેટ નું પ્રમાણ ખૂબ વધારે હતું. અન્ય એક 85000 સ્ત્રીઓના સોળ વર્ષ ચાલેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ હાઈડ્રોજીનેટેડ ઓઇલ સાથેની ફેટનું વધારે પ્રમાણમાં સેવન કરતી હતી તેઓમાં ડાયાબિટીસ નું જોખમ વધારે હતું. બીજા એક 78,778 લોકો ઉપર 20 વર્ષ સુધી સુધી થયેલા સર્વેક્ષણમાં પ્રતિપાદિત થયું છે કે ટ્રાન્સ ફેટ નું સેવન એ હૃદય રોગ ના જોખમનું મહત્વનું કારણ છે.
ટ્રાન્સ ફેટ ઇન્સ્યુલિનની કાર્યદક્ષતામાં અવરોધ ઉત્પન્ન કરે છે જે ડાયાબિટીસનું મૂળ કારણ બને છે. ડાયાબિટીસ અને ટ્રાન્સ ફેટ ધરાવતો ખોરાક દા.ત. જંક ફૂડ એ હૃદયરોગ અને કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યાઓ ને લીધે થતી વિવિધ બીમારીઓના તથા નાની વયમાં થતાં મૃત્યુના મહત્વના કારણો છે.
ટ્રાન્સ ફેટ ઇન્ફ્લૅમૅશન (સોજો લાવતી જટિલ પ્રક્રિયા) માં વધારો કરે છે.
સ્ટરાઇલ ઈન્ફ્લેમેશન એટલે કે કોઈ પણ સંક્રમણ વગર થતી પ્રક્રિયા. ટ્રાન્સ ફેટ આ પ્રક્રિયામાં લાંબા સમય સુધી વધારો કરી હૃદયની નળીઓને બ્લોક કરતી પ્રક્રિયાને વેગ આપે છે. તંદુરસ્ત લોકો ઉપર થયેલા એક પ્રયોગમાં જાણવા મળ્યું કે દરરોજ 8% શક્તિ જો ફેક્ટરીમાં ઉત્પાદિત એટલે કે કૃત્રિમ ટ્રાન્સ ફેટમાંથી માત્ર 5 અઠવાડિયા માટે મેળવવામાં આવે તો સી. આર. પી. કે જે ઇન્ફ્લેમેશન નું માપ છે તેનું પ્રમાણ 340% વધી જાય છે. જરા વિચારી જુઓ કે તમે વર્ષો સુધી ટ્રાન્સ ફેટનું સેવન કરો તો શું થાય?
કૃત્રિમ ટ્રાન્સ ફેટ તમારા લીવર ઉપર વિષમ અસર કરી તેની કોલેસ્ટ્રોલના ચયાપચયની પ્રક્રિયાને ખોરવી નાખે છે એટલે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે જે અંતે હૃદય રોગ તથા અન્ય કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું કારણ બને છે.
કોઈ નવાઈની વાત છે કે આજનો યુવા વર્ગ ટ્રાન્સ ફેટ ધરાવતા ઉત્પાદનોની જીવલેણ જાળમાં ફસાઈ હૃદય રોગ, ડાયાબિટીસ, મેદસ્વીતા તેમજ હાઈ બીપીનો શિકાર બની નાની વયે મોતના મુખમાં ધકેલાઈ જાય છે?! આ સાથે નોકરી ધંધા નો માનસિક તણાવ તેમજ તમાકુ તથા દારૂનું વ્યસન બળતામાં ઘી હોવાનું કામ કરે છે.
હવે પછી તમે જયારે મનપસંદ વાનગીઓ બજારમાંથી પસંદ કરો ત્યારે ધ્યાન રાખશો કે તેમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ 0% લખેલું હોય. ધ્યાન રહે કે 0.5% કરતા ઓછી માત્રા એટલે કે 100 ગ્રામમાં 0.5 ગ્રામ કરતા ઓછી ફેટ 0% ટ્રાન્સ ફેટ કહેયાય પરંતુ આ પ્રકારની વાનગીઓ જો વધુ પ્રમાણમાં વારંવાર આરોગવામાં આવે તો ટ્રાન્સ ફેટ ની કુલ માત્રા જોખમકારક રીતે વધી શકે છે.