મારો કોવિડ અનુભવ
શનિવારની સાંજે હું મારા હિંચકા ઉપર ઝૂલતા ઝૂલતા ઠંડી હવાની મજા રહ્યો છું. વાસ્તવમાં હું કોરોના ઉપર એક મેડિકલ આર્ટિકલ વાંચી રહ્યો છું. ભવિષ્યમાં આ ઘાતક વાયરસ સાથે નજીકનો પરિચય થશે તે વાત થી બિલકુલ બેખબર. જી હા. આ ડિસેમ્બર 2019 છે. ચીન દેશના કોઈ વુહાન નામના પ્રાંતમાં એક નવું વાયરસ મળ્યું છે અને દુનિયા હજુ તેના ભયાનક રૂપથી અજાણ છે. અન્ય લોકો જયારે આ વાયરસથી અજાણ છે ત્યારે અમે નિષ્ણાતો આ વાયરસની ઘાતક અસરો સમજવા અને તેનો ઈલાજ કરવા ઉત્સુક છીએ.
થોડો સમય પસાર થયો છે. અમે કેટલીક માહિતી એકઠી કરી લીધી છે અને ભવિષ્યની ઘાતક અસરોથી ચિંતિત છીએ. હવે રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન ને લગભગ એક અઠવાડિયું થયું છે. મારા ફોનની રિંગ વાગે છે. સામ છેડે મારા એક મિત્ર મને સરકાર દ્વારા આયોજિત એક પ્રશિક્ષણ કાર્યક્રમમાં સ્વેચ્છાએ ભાગ લેવા વિનંતી કરે છે. સરકારશ્રી દ્વારા અગમચેતી રૂપે અમદાવાદની પરિસીમામાં આવેલી હોસ્પિટલોના ડૉક્ટર તથા સ્ટાફને કોરોના ના ગંભીર દર્દીઓની સારવાર વિષે સમજ આપવા માટે આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એક અનુભવી ખ્યાતનામ ક્રિટીકલ કેર નિષ્ણાત અને આ જ વિષયના ટીચર હોવાને નાતે તેમણે આ કાર્ય માટે મારી આગળ આ પ્રસ્તાવ મુક્યો છે. હું આ પ્રસ્તાવથી ખૂબ ઉત્સાહીત છું અને 250 જેટલા ડૉક્ટર તથા પરમેડિકલ સ્ટાફને પ્રશિક્ષણ આપી રહ્યો છું. આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ મને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા ગુજરાત સરકાર તરફથી સન્માનપત્રથી સન્માનિત કરવાં આવ્યો છે.
ગયા માર્ચ મહિનામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગને કોવીડ 19 નામ આપ્યું છે. અત્યારે એપ્રિલ 2020 છે અને કોવિડ ના કેસ સતત દિવસ-રાત જે રીતે વધી રહ્યા છે તે ધ્યાનમાં લેતા આ પરિસ્થિતિને કોવિડ વેવ કહેવાયો છે. મેડિકલ સર્કલમાં પણ અસમંજસ તથા ડરનો માહોલ છે. આજે ફરીથી એક વિનંતી પ્રસ્તાવ આવ્યો છે. 1200 પથારીની વ્યસ્થા ધરાવતી કોવીડ હોસ્પિટલના ગંભીર દર્દીઓને ઉચ્ચ કોટિની સારવાર આપવા માટે આઈ સી યુ માં રાઉન્ડ લઈ ત્યાં કાર્યરત જુનિયર ડોક્ટરોને માર્ગદર્શન આપવા માટે. લગભગ બધાજ કોવિડ દર્દીઓને સરકારી હોસ્પિટાલમાંજ સારવાર આપવામાં આવે છે. કેટલાક ખાનગી પ્રેકટીસ કરતા ડોક્ટરો કોવીડના દર્દીઓને તપાસવાની પણ ના પાડે છે; પરંતુ હું કહું છું કે હું નહિ કરુ તો કોણ આ કાર્ય કરશે? આ પરિસ્થિતિ મને મારુ શ્રેષ્ઠ યોગદાન આપવા ઉત્તેજિત કરી રહી છે. સમાજને કઈંક આપવા માટે ઉત્સાહિત અમે કેટલાક નિષ્ણાતો દરરોજ આઈ સી યુ માં રાઉન્ડ લઇ દર્દીઓની સારવાર માં માર્ગદર્શન આપી રહ્યા છીએ. આ ખૂબ ઉત્સાહ તથા સંતોષની ક્ષણો છે. નોન ઈન્વેસિવ વેન્ટિલેટર ઉપર રહેલ ઘણા દર્દીઓ હવે સારા થઇ રહ્યા છે અને થોડા દિવસોમાં તેઓ ઘરે જશે.
હવે વધુ ડરાવણો તબ્બકો ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં અફડાતફડીનો માહોલ છે. જરૂરી દવાઓ તથા ઓક્સિજન ઓછ પડી રહ્યા છે. અગણિત માણસો દરરોજ મૃતયુ પામી રહ્યાછે. મોત જાણે કે તાંડવઃ કરી રહ્યું છે. ઘણા બધા ડોક્ટરો એ આ દાનવ સામે લડતા લડતા શહીદી વ્હોરી છે. તેઓની બહાદુરી અને બલિદાન ને માન પૂર્વક વંદન. શ્વાસ માટે તડપતા ઘણા દર્દીઓને હું જોઈ રહ્યો છું પરંતુ તેમના મોનીટરમાં કોઈ પણ ઉતસાહ જનક આંકડા દેખાતા નથી. ઓક્સિજન નું પ્રમાણ અથાગ પ્રયત્નો કરવા છતાં સુધરતું નથી. બીજે દિવસે સવારે લાચાર થઈને હું તેમના નશ્વર દેહને સફેદ કવર માં સૂતેલો જોઉં છું સાથે સાથે જ તેમના દ્રવિત સ્વજનો ની અશ્રુભીની આંખો જોઈ રહ્યો છું. તો બીજી તરફ કેટલીકે આંખો અતિ વિશ્વાસ એને આશાઓ સાથે મને જોઈ રાહી છે. આ લોકો તેમના સ્વજન નો જીવ બચાવવા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર છે. કુદરતની દયાથી મારા દર્દીઓમાં મૃતુંનો આંક ઓછો રહ્યો છે. કદાચ મારી ઉચ્ચ કેળવણી અને દર્દીઓને ઉત્તમ અને અત્યાધુનિક સારવાર આપવાની અદમ્ય ઈચ્છા તેના પરિણામ આપી રહી છે. વ્યક્તિગત અને એક ટિમ તરીકે અત્યાર સુધીમાં મને લગભગ બે હજાર દર્દીઓની સેવાનો મોકો મળ્યો છે. જીન્દગીની રફ્તાર ખૂબ ઝડપથી અને ઉત્તેજના પૂર્વક ચાલી રહી છે. એક દર્દી થી બીજા દર્દી અને એક હોસ્પિટલ થી બિજી હોસ્પિટલ માં સવાર થી રાત કયારે થઇ જાય છે તેનો ખ્યાલ જ નથી. બે વખત ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર જમવનો સમય તો એક ભૂતકાળ છે. કયારેક મારુ ડિનર સાથે લઈને નીકળી જાઉં છું અને રાત પડે ત્યાં રસ્તાની એક બાજુ કાર ઉભી રાખી ડિનર લઉ છો તો ક્યારેક હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં. બહુ મોડું થઇ જાય તો પછી કાંઈ લેતો નથી. મોડા જમવા કરતા ખાલી પેટ વધારે સારું. ઊંઘની કોઈ ચિંતા નથી. પથારીમાં પડીએ એટલે સીધી સવાર પડે. મને આમાં કાંઈજ અગવડ ભર્યું નથી લાગતુ. બીજી સવારે હું ફરી થી ચાર્જ થઇ જાઉં છું માનવતાના આ દુશ્મન સામેના જંગમાં સામેલ થવા માટે. સાચું કહું તો એટલા બધા દર્દીઓની સારવાર કરવાનો સંતોષ કઈંક અલગ જ છે. અત્યારે પણ મને આશીર્વાદ આપતા એ હાથ તથા આભાર વ્યક્ત કરતા અને ખુશીથી મલકાતાં એ ચહેરાઓ નઝર સમક્ષ દેખાય છે.
મને સેવાની આ તક આપવા બાદલ હું સર્વે દર્દીઓ તેમજ તેમના સ્નેહીજનોનો અન્તઃકરણ પૂર્વ આભાર વ્યક્ત કરુ છું. તેઓએ અતિ મુશ્કેલ સમયમાં દાખવેલી ધીરજ, સંયમ અને મને આપેલા સહકારનો મને જે કઈ સફળતા મળી છે તેમાં મહત્વનો ફાળો છે.
કોવિડ વિશ્વામાંથી ઝડપથી ગાયબ થઇ જાય તેવી પ્રભુને પ્રાર્થના.